મેનેજમેન્ટ સ્ટોરી :~ "વ્યસ્તતા"
એક સશક્ત કઠીયારો એક લાકડાના વેપારી પાસે કામે લાગ્યો. તેને સારા પગારની એક સારી નોકરી મળી. કઠીયારો સખત મહેનતુ હતો અને દિલ દઈને કામ કરતો હતો.
તેના શેઠે તેને એક કુહાડી આપી અને લાકડા કાપી લાવવા કહ્યું. પહેલા દિવસે તે ૧૫ ઝાડ કાપી લાવ્યો. “અભિનંદન!” શેઠે સાબાશી આપી.
કઠીયારો ઉત્સાહિત થયો અને બીજા દિવસે વધારે મહેનત કરી પણ ૧૦ ઝાડ જ કાપી શક્યો.
ત્રીજા દિવસે તેણે આગલા દિવસ કરતાં વધારે મહેનત કરી પણ ફક્ત ૭ ઝાડ કાપી શક્યો. દરરોજ કપાયેલા ઝાડોની સંખ્યા ઘટતી ગઈ.
એવું ન્હોતું કે કઠીયારો મહેનત ન્હોતો કરતો, બિચારો સવારે વહેલો ઊઠીને કામે લાગતો તે સાંજે મોડો ઘેર પાછો ફરતો.
દિવસ આખો સખત મહેનત કરતો પણ કપાયેલા લાકડાંનો જથ્થો ઘટતો જતો હતો.
તેણે શેઠને વાત કરી અને દિલગીરી વ્યક્ત કરી અને કહ્યું કે મને સમજાતું નથી કે આમ કેમ થાય છે. શેઠે કહ્યું: “તારી કુહાડીની ધાર છેલ્લે તેં ક્યારે કાઢી હતી?”
“ધાર?” કઠીયારો વિચારમાં પડી ગયો “મારી પાસે કુહાડીની ધાર કાઢવાનો સમય જ ક્યાં હતો? હું તો આખો દિવસ ઝાડ કાપવામાં પડ્યો હતો!”
મોરલ :~ આપણે આપણાં દિવસભરના કામમાંથી થોડો સમય કાઢીને કંઇક નવું શિખવું જોઈએ. આપણે એવું વિચારતા હોઈએ છીએ આપણે જે શિખ્યા તે પુરતું છે પણ સારું તે સારું નથી જ્યારે ઉત્તમની અપક્ષા હોય! સતત નવું શિખતા રહીને આપણી આવડત કે કુશળતા વધારતા રહેવું તે સફળતાની ચાવી છે.
No comments:
Post a Comment