11 Jun 2017

કાયવરોહણ તીર્થ મહાત્મ્ય ભાગ:1

કાયાવરોહણ
ભગવાન લકુલીશનું કાયાવરોહણ

પુરાણ પ્રસિદ્ધ શિવના અવતાર ભગવાન લકુલીશનું આ સ્‍થાન પાશુપત સંપ્રદાયનું મુખ્‍ય મથક લકુલીશ છે. લકુલેશ એ ભગવાન શિવના અઠ્ઠાવીસમાં અવતાર ગણાય છે. આ મંદિર આમ અર્વાચીન છે. 30 લાખના ખર્ચે ચાળીશ વર્ષ પહેલાં તે બંધાયું છે. બાંધણી પ્રાચીન શૈલીની છે.

અહીંથી નજીકમાં જવાય કાયાવરોહણ-કારવણ. નાનકડું ગામડું પણ ભવ્‍ય અર્વાચીન શિવાલય. ખાસ જોવા જેવું. મૂળ આ સ્‍થાન પુરાણપ્રસિદ્ધ શિવના અવતાર ભગવાન લકુલીશનું – પાશુપત સંપ્રદાયનું આ મુખ્‍ય મથક. આ શિવાલય સાદું નાનું જૂનું મંદિર હતું, તેમાં પુરાણું શિવલિંગ હતું. કાળે કરી નાશ પામ્યું. પણ અર્વાચીન યોગી શ્રીકૃપાલાનંદજીના પુરુષાર્થથી તેનો જીર્ણોદ્ધાર થયો – નવું ભવ્‍ય મંદિર બંધાયું. પાઠશાળા-યોગશાળા થઈ. પ્રવાસીઓની નિવાસ-વ્‍યવસ્‍થા થઈ. એ મંદિરમાં પધરાવેલ ભગવાન લકુલીશ શિવનું અત્‍યંત પ્રાચીન શિવલિંગ તથા દીવાલ પરની યોગમુદ્રાની તકતીઓ જોવા જેવાં છે.
ઇતિહાસ અને પુરાણો સાક્ષી પૂરે છે કે કાયાવરોહણ તીર્થની ગણના ભારતમાં લોકપ્રસિદ્ધ અડસઠ તીર્થોમાં કરવામાં આવી છે. કાયાવરહોણ ગુજરાત રાજ્યના વડોદરા જિલ્‍લામાં આવેલું એક અતિ પ્રાચીન મહાતીર્થ છે. ગુજરાત અને ભારતના ઇતિહાસગ્રંથોમાં તેની જ્વલંત કીર્તિનો ઉલ્‍લેખ છે. સૌરાષ્‍ટ્ર સ્થિત ભગવાન સોમનાથની અપ્રતિમ કીર્તિની યશદીપિકાઓ પણ અહીંના પશુપતાચાર્યો જ હતા. તેમણે માત્ર એક વર્ષ જ નહીં, સતત 1500 વરસ પર્યંત શિવભક્તિનો પ્રચાર કર્યો હતો. આજે ભારતભૂમિના ચારેય ખૂણામાં અગણિત શિવાલયો ઉપર જે કાષાયધ્વજ ફરફરે છે તેમાં પણ અહીંના પાશુપતાચાર્યનો નિર્મલ ભક્તિભાવ ભરેલ છે.

અનેક શતાબ્દીઓ પર્યંત શિવભક્તિનો પ્રચાર કેટલા પ્રબળ વેગથી ચાલ્‍ય હતો તેનું આ કાયાવરોહણથી ત્રણ માઈલ દૂર આવેલા લિંગ થલી બિંગ થલી સ્‍થળમાંથી પ્રાપ્‍ત થાય છે. અહીંના શિલ્‍પીઓ સહસ્ર્ત્રલિંગોનું નિર્માણ કરતા હતા અને પાશુપતાચાર્યો અખિલ ભારતમાં નૂતન શિવાલયોનું સર્જન કરતા હતા. પાશુપતાચાર્યોનો કાળ એટલે શિવભક્તિનો કાળ.
કાયાવરોહણ શૈવ મહાતીર્થ છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં કાયાવરોહણનો નિર્દેશ નથી, પરંતુ એ તેરમું મહાતીર્થ જ છે, કારણ કે દ્વાદશ જ્યોતિર્લિંગોની વ્‍યવસ્‍થા અહીંના પાશુપતાચાર્યો જ કરતા હતા. કાયાવરોહણ જ્યોતિર્લિંગનું મહાકેન્‍દ્ર હતું. એ સિદ્ધપીઠ પણ મનાતું હતું. ભગવાન લકુલીશજીના કાળમાં અહીં પાશુપતાચાર્યોને યોગદીક્ષા અને યોગશિક્ષા આપવામાં આવતી હતી. તેઓ અહીં શ્રીગુરુચરણમાં અનેક વર્ષો પર્યંત શાસ્ત્રાધ્યયન અને વિવિધ યોગ-સાધનાઓ કરતા હતા અને જ્યારે સિદ્ધપદને પ્રાપ્‍ત કરતા હતા ત્‍યારે શ્રી ગુરુ તેમને વિવિધ પ્રદેશોમાં શિવભક્તિનો પ્રચાર કરવાનો આદેશ આપતા હતા. પ્રાચીનકાળમાં તે ‘લોઢી કાશી‘ અથવા દક્ષિ‍ણ કાશી‘ના નામે ઓળખાતું.

ભગવાન લકુલીશના ચાર તેજસ્‍વી શિષ્‍યો હતા. ભગવાન લકુલીશે બ્રહ્મેશ્વર-મંદિરના જ્યોતિર્લિંગમાં પોતાના જ મનુષ્‍યદેહનું – કાયાનું અવરોહણ કર્યું ત્‍યારથી આ સ્‍થળ કાયાવરોહણ તરીકે જાણીતું બનેલ છે. ભગવાન લકુલીશના ચાર શિષ્‍યો કૌશિક, ગાર્ગ્ય, મિત્રા અને કૌરુષ્‍ય મધ્ય ભારતમાં પ્રચારાર્થે ગયા. ત્‍યાં તેમણે શિવપંથીઓને ભેગા કરીને શિવપૂજાનું માહાત્મ્ય વધાર્યું. સાથે સાથે તેમણે પાતંજલિનાં યોગસૂત્રોનો પ્રચાર કરી યોગાસનો શિખવાડવા માંડ્યાં.

30 લાખના ખર્ચે બંધાયેલું ભવ્‍ય મંદિર ચારેબાજુ હરિયાળા ઉદ્યાનથી ઘેરાયેલું છે, જેમાં હજારો વર્ષ જૂનું ભવ્ય જ્યોતિર્લિંગ રખાયું છે. મંદિરના પાતાળ-લોકમાં બ્રહ્માજી, પૃથ્વીલોકમાં વિષ્‍ણુજી અને સ્‍વર્ગલોકમાં પ્રાચીન ભવ્‍ય જ્યોતિર્લિંગ બિરાજે છે. મંદિરની ચારે તરફ ઉદ્યાન, સામે જ રંગીન ફુવારા, ભવ્‍ય પ્રવેશદ્વાર, અતિતિગૃહ, સાત્વિક ભોજન અપાતું અન્નપુર્ણાગૃહ અને યાત્રીઓને ઊતરવા તથા જમવાની સુવિધા છે. મંદિરની ચારે તરફ યક્ષ -યક્ષિ‍ણી અને દેવી-દેવતાઓની મૂર્તિઓ કંડારાયેલી છે. મંદિરનું શિલ્‍પ સ્‍થાપત્ય અને મૂર્તિકળા વિદ્યાના અભ્‍યાસુ માટે મહાવિદ્યાલયની ગરજ સારે છે. ‘લકુલીશ‘ યોગ વિદ્યાલય, વારંવાર આસન પ્રાણાયમની શિબિરો યોજે છે. કાયાવરોહણ, શિવજીના અઠ્ઠાવીસમા અવતાર ભગવાન લકુલીશનું જન્‍મસ્‍થાન છે. યોગાચાર્ય સ્‍વામીશ્રી કૃપાલાનંદજીની સમાધિ વખતે આ સ્‍થળે ઇતિહાસ ખૂલ્‍યો અને તેનું મૂળ નામ સાંપડ્યું ‘કાયાવરોહણ‘. 1965માં આ મહાતીર્થના પુનુરુદ્ધાર માટે ‘શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજ‘ની સ્‍થાપના થઈ અને ટ્રસ્‍ટ રજિસ્‍ટર્ડ થયું.

No comments:

Post a Comment