25 Aug 2017

જોડણીના સામાન્ય નિયમો:

જોડણીના સામાન્ય નિયમો!

                          

સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર.

આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે.

1)   ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.

દા.ત. ત્રિફળા, ત્રિશુળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે...

2)  ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.

દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે...

3)   બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં  દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ 'ઇ'– િ ની માત્ર કરવી.

દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે...

4)   ‘ઇત' પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી

દા.ત.  પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત,ઇચ્છિત.વગેરે....

   પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા  શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ' –િ ની માત્ર કરવી.

દા.ત. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક,વૈવાહિક, પૌરાણિક, ઔપચારિક, નૈતિક, પ્રમાણિક,દૈનિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, પારંપારિક, વૈશ્વિક,ઈસ્લામિક, પ્રસ્તાવિક વગેરે...

   ૬) ‘ઈયા' પ્રત્યેય લાગેલા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી

        દા.ત. દરિયા, રૂપિયા, વાણિયા, કડિયા,ગાંઠિયા, ઘડિયાળ, કાઠીયાવાડ, પટોળિયા વગેરે...

૭) શબ્દાંતે ‘ઇય’ વાળા શબ્દોમાં દીર્ઘ ‘ઈ’- ી ની માત્રા કરવી.

દા.ત. રાજકીય, રાષ્ટ્રીય, વિદ્યાકીય, માનનીય,આદરણીય, નાટકીય, ભારતીય, ભાષાકીય,સંચાલકીય, શાળાકીય, નાણાકીય વગેરે...

૮) આ ઉપરાંત બંને ‘ઇ’ હ્રસ્વ થતા હોય તેવા કેટલાક શબ્દો જોઈએ તો ...

સ્થિતિ, તિથિ, ટિકિટ, ગિરિ, મિતિ, ભૂમિતિ, સમિતિ

(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.
કીર્તન, તીર્થ, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ,કીર્તિ, દીર્ઘ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ,મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.
અપવાદ – ઉર્વશી

(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ થાય છે.
ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય,ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં,એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો,ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર,નાળિયેર, ફેરિયો.

(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’કરવામાં આવે છે.
અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ,ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.

(૧૨) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’આઅવે છે.
તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની,સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની,હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની,નંદિની, પદ્મિની.

(૧૩) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.
દા.ત. ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા,સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા.

(૧૪) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે. જેમ કે -
દા.ત. શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર,લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો,ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર,પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ,મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર,વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.
અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર,શૂન્ય, મૂલ્ય, દીક્ષા.

(૧૫) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.
હું અને તું, મેં, તેં, સર્વનામમાં-
બોલું, લખું તેવા ક્રિયાપદોમાં-
બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં-
પોતાનું, રાજાનું, મીનાનું, ઘોડાનું શ્યામનું, વગેરેમાં....
ઘરમાં, નદીમાં, શાળામાં –‘આમાં’ ‘ઓલામાં’‘પેલામાં’ એમ સ્થાન દર્શાવે તે અધિકરણ વિભક્તિમાં જ અનુસ્વાર આવે માતા માટે ‘મા’ વપરાય તેમાં નહીં.
ખાતું, પીતું, લખતું, જ્યાં, ત્યાં, ક્યાં… વગેરેમાં અનુસ્વાર આવે.

No comments:

Post a Comment