કાશીમાં એક શેરી ‘કબીર ચોરા’ તરીકે ઓળખાય છે. આજથી લગભગ સાડા પાંચસો વર્ષ પહેલાં ત્યાં નીરુ નામનો એક મુસલમાન વણકર રહેતો હતો. એક દિવસ તે એની પત્ની નીમા સાથે કાશી પાસે આવેલા લહરતારામાંથી પસાર થતો હતો ત્યારે એને ફૂલોના નાના ઢગલામાંથી એક નવું જન્મેલું બાળક મળી આવ્યું. બન્નેને એ બહુ ગમી ગયું. બાળકના માતા-પિતાની ભાળ ન મળતાં તે તેને પોતાના ઘેર લઈ આવ્યા અને તેનું નામ કબીર પાડી એનો ઉછેર કરવા લાગ્યા. વિક્રમ સંવત ૧૪૫૫ના જેઠ માસની પૂનમના રોજ સોમવારે વટસાવિત્રી વ્રત હતું એ દિવસે એમનો જન્મ થયો હોવાનું મનાય છે. મોટા થયા બાદ તે પિતાનો વણકરનો ધંધો જ કરતા હતા. બાળપણથી જ તેમનું મન પ્રભુ ભક્તિ તરફ વળી ગયું હતું. તે હંિદુ સાઘુસંતોને મળતા અને મુસ્લિમ ફકીરોને પણ મળતા અને એ સર્વે પાસેથી જ્ઞાન ગ્રહણ કરતા. આ સાઘુસંગતના આધારે એમને આત્મજ્ઞાન ઉપલબ્ધ થયું અને ઈશ્વરના એકત્વનો બોધ થયો. એ સર્વને સમજાવતા કે સર્વમાં ઈશ્વર રહેલો છે અને એની સૃષ્ટિમાં કોઈ ઊંચ-નીચ નથી. નાત-જાત-ધર્મ-સંપ્રદાયના ભેદભાવો અજ્ઞાની માણસોએ ઊભા કરેલા છે અને એ સાવ ખોટા છે.
કબીર કેટલીકવાર રૂઢિચુસ્ત પંડિતોને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવતા પણ એમના ગળે એ વાત ઊતરતી નહોતી. કબીર એમને આંખના કણાની જેમ ખૂંચતા અને એમને હંમેશાં ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા. પણ એની કબીર પર કોઈ અસર પડતી નહીં. એકવાર એક પંડિત ગંગામાં સ્નાન કરીને બહાર કિનારા તરફ આવી રહ્યા હતા. ત્યાં એમને કબીર મળી ગયા. ત્યાં ઘણા બધા લોકોની ઉપસ્થિતિ હતી. પંડિતને થયું કે કબીરને ઉતારી પાડવાનો આ એક સરસ અવસર છે. એટલે એ કબીર સાથે ઝગડવા લાગ્યા - ‘તમે તો વણકર જ્ઞાતિના છો. તમને ધર્મશાસ્ત્રોમાં શી સમજણ પડે ? તેથી ધર્મ અને સંપ્રદાયની વાતો કરવાની બંધ કરી કપડાં વણવાનું કામ જ કર્યા કરો !’કબીરે હસતાં હસતાં કહ્યું - ‘મને શાસ્ત્રાર્થ કરવામાં કોઈ વાંધો નથી. તમારી ઈચ્છા હોય તો અત્યારે જ, તમે કહો ત્યાં જઈને ધર્મના સાચા સ્વરૂપની ચર્ચા કરીએ.’ પંડિતે કહ્યું- ‘સારું તો અત્યારે જ બજાર વચ્ચે જઈએ અને થોડા વધારે લોકો ભેગા થાય એટલે શાસ્ત્રાર્થ કરીએ.’ કબીરે જોયું તો એ પંડિત એમનાથી થોડા દૂર ને દૂર રહીને જ ચાલતા હતા એટલે એ સમજી ગયા કે આ હજુ ઊંચ-નીચના વાડામાં પૂરાઈ રહેનાર જ છે.
તે બન્ને ચાલીને જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં એક મુસલમાન ફકીરનું ઘર આવ્યું. કબીરે એમનું બારણું ખખડાવ્યું. એ બહાર આવ્યા એટલે કબીરે એમની પાસે પીવાનું પાણી માંગ્યું. ફકીર બે પ્યાલા ભરીને પાણી લઈ આવ્યા. કબીરે પાણી પીઘું પણ પંડિતે ના પીઘું. એટલું જ નહીં પણ નાકનું ટેરવું ચડાવીને કહ્યું - ‘હું વિધર્મીના ઘરનું પાણી પીતો નથી.’ આમ કરતાં એ આગળ વધતા ગયા. રસ્તામાં એક ચમારનું ઘર આવ્યું. કબીરે એના ઘરનું પણ પાણી પીઘું અને બ્રાહ્મણ પંડિતને પાણી પીવું છે કે કેમ એવું પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો - ‘હું અસ્પૃશ્યના ઘરનું પાણી પીતો નથી.’ કબીર એ વખતે તો કશું બોલ્યા નહીં.
થોડીવાર બાદ તે બન્ને એક કૂવા પાસે આવી પહોંચ્યા. કૂવો જોઈને કબીર પંડિતને કહેવા લાગ્યા - અહીં થોડીવાર થોભી જઈએ. થોડુંઘણું જળપાન કરીને સામેના ચોતરા પર બેસીને શાસ્ત્રાર્થ કરીએ. કૂવા પર અનેક પનિહારીઓ જળ ભરતી હતી. એક મુસલમાન સ્ત્રી હતી તો એક હંિદુ. એક ચમાર હતી તો એક લુહાર જ્ઞાતિની હતી. એમાં એક બ્રાહ્મણ હતી તો એક વણિક પણ હતી. કૂવામાંથી પાણી બહાર કાઢવાના એમનાં ઘડા પણ જુદી જુદી ધાતુના અને આકાર પ્રકારના હતા. કૂવામાંથી એમણે પોતપોતાના ઘડાઓમાં જળ ભર્યું એ જોઈને કબીરે પેલા પંડિતને કહ્યું - ‘કબીરા કુઑં એક હૈ, પનિહારી અનેક બરતન સબકે ન્યારે હૈ, પાની સબમેં એક’ કૂવો એક છે અને તેમાંથી પાણી કાઢનારી પનિહારીઓ અનેક છે. એમના પાત્રો વિવિધ પ્રકારનાં છે પણ એ બધામાં પાણી તો એક જ કૂવાનું સરખું જ છે. પરમ તત્ત્વ સંબંધિત ધર્મનો કૂવો એક છે. તેમાંથી જળ બહાર કાઢનાર પનિહારીઓ એટલે જુદા જુદા ધર્મ, સંપ્રદાય, વર્ણ અને જ્ઞાતિના લોકો. જળ ભરવાના પાત્રો એટલે ધર્મના સિદ્ધાંતો. એ ભલે અલગ-અલગ હોય પણ કૂવાનું જળ તો એકસમાન હોય એમ સત્ય અને ઈશ્વર તો એક જ છે.
પંડિત જ્ઞાની હતો. એને આ સમજાઈ ગયું. એનું અજ્ઞાન દૂર થઈ ગયું અને નાતજાતના તમામ ભેદભાવો દૂર થઈ ગયા અને તે બધાના હાથનું ખાવા-પીવા લાગ્યો!
|
| |
|
No comments:
Post a Comment